Thursday, April 23, 2015

અહા! વેકેશન

એક સ્કૂલ પ્રિન્સિપાલે કહ્યું "હું તો ક્યારેય તમારી જેમ મારી દિકરીની સાથે રહી જ નથી એટલે એનાં નાનપણનું કાંઇ મને યાદ જ નથી".

અમે ઘરે રહીને કેવી રીતે શીખીએ છીએ કે કેવી એક્ટિવિટીઝ કરીએ છે તે જાણી ને ઘણી મમ્મીઓ કહે છે "પણ આ રીત તો અમારાં માટે શક્ય જ નથી".

આખું વર્ષ સ્કૂલ-પરીક્ષામાંથી માંડ છૂટ્યા હશો, વેકેશનમાં ફરવા જવાનો પ્લાન હશે, સમર કેમ્પમાં બચ્ચાંને મોકલવા વિચાર્યુ હશે અથવા તો કોઇ ફૂરસતે કરવાનું કામ વિચાર્યુ હશે. વાત કરવી છે વેકેશનમાં જ કરી શકાય તેવા એક કામની.....સ્કૂલ જવાનું નથી એ સાથે જ હાશ થઇ જાય છે. હાશકારાનો સુંદર ઉપયોગ કરીએ તો?...કોઇ કેમ્પમાં ગયા વગર તમે અને બાળક ઘણું નવું શીખી શકો, જાણી શકો અને સાથે સાથે મેમોરેબલ વેકેશન એન્જોય કરી શકો. કરવાનું માત્ર એટલું જ કે બાળક ને ઘરની બહાર મોકલી દેવાને બદલે કે માત્ર ટીવી-ગેઇમ્સનાં હવાલે કરવાને બદલે સાથે મળીને શીખવાની ધગશ રાખવાની છે - અઘરું છે આખું વરસ ભણવાની ચિંતામાં બચ્ચાંની પાછળ અને વેકેશનમાંય છૂટકારો નહીં? આવું માનતા હો તો પ્લીઝ આનાંથી આગળ ન વાંચતા.

તમને કદાચ છોકરાંઓ બહાર જાય અને માણવાની નિરાંત ગમતી હશે પણ એમને તો મમ્મી-પપ્પાની સાથે રમવાનું, શીખવાનું (ફોર્સ ના થતો હોય તેવું), વાર્તાઓ સાંભળવાનું ગમતું જ હોય છે ...અને હા,સ્કૂલી શિક્ષા કરતાં આ મોમેન્ટસ લાઇફમાં ઘણી મહત્વની હોય છે જે હસતાં-રમતાં બચ્ચાંને (અને તમને પણ!) ઘણું શીખવી પણ જતી હોય છે. જે આપણને ચાલુ સ્કૂલે ભાગ્યે જ મળી શકે છે.

પહેલું તો મને બધ્ધું આવડે છે અને મારે બાળકને શીખવાડવાનું છે એવું જરાય ના રાખશો. સાથે મળીને શીખવાની મઝા માટે તે પહેલી શરત છે. ધારોકે ઓરિગામી મને નથી આવડતું તો સાથે મળીને યૂ-ટ્યૂબ વિડીઓ જુઓ અને સાથે ટ્રાય કરો...તમને કદાચ દેખાશે તમારું બાળક ઓરિગામીમાં તમારાં કરતાં વધારે સારું પણ હોય શકે છે. આ તો એક ઉદાહરણ છે...તમને તમારાં બાળકનાં રસનાં વિષયો ખબર જ હશે અને સાથે રહેતાં રહેતાં તમને તેમાં વધારે ખબર પડતી જશે.

ફેમિલી સાથે મળીને કોઇ પ્રોજેક્ટ કરવાની અલગ મઝા છે. દા.ત. ન્યૂઝપેપરની ટ્યૂબસમાંથી જુદા જુદા જીઓડેસિક ડોમ બનાવવાં. ટ્યુબ વાળવાથી, તેનાં માપસરનાં કટીંગ, કલર કરવો હોય તો તે, ટ્યૂબને જોડવાનું એવાં જુદા જુદા કામ ઘરની જુદી જુદી વ્યક્તિ ઉંમર અને આવડત પ્રમાણે વહેંચી શકીએ. આ ડોમમાં રમવાની જે મઝા આવશે અને જ્યોમેટ્રીનાં બારામાં જે શીખી શકો તે નફામાં. http://www.pbs.org/…/building…/educator/act_geodesic_ho.html

ધારોકે તમારું બાળક મેકિંગ સ્પિરીટ ધરાવે છે...સતત કાંઇક બનાવાનું એને ગમે છે તો ઘરનો કચરો ફેંકી ના દેતાં અને અરવિંદ ગુપ્તાજી પાસે અનેક રમકડાં બનાવતાં સાથે મળીને શીખો... http://www.arvindguptatoys.com એન્ડ ઇટ્સ રિયલ સાયન્સ લર્નિગ! અને હા, આ સાઇટ પર તમારાં અને બાળકો માટે પણ અઢળક બુક્સ છે જે કદાચ તમને માર્કેટમાં ન પણ મળે!

બચ્ચાંલોગને રસોડામાં પણ ચાન્સ આપી શકાય.માત્ર રમક્ડાનાં પ્લાસ્ટિકનાં ચાકુ વાપરીને ક્લે કપાવવાને બદલે સાચૂક્લાં ચાકુથી સમારતાં શીખે ( અલબત શીખતી વખતે સાથે રહેવું જરુરી છે ). બેક કરી શકાય તેવી રેસિપીઝ બચ્ચાંલોગ ને જુદા જુદા ક્રિએટિવ આઇડયાઝ્ એપ્લાય કરવા માટે સરસ છે.

જો તમારી પાસે ગાર્ડન છે તો બિલીવ મી એ ખૂબ બધી શીખવાની તકો આપે છે...પક્ષીઓ માટે બર્ડ ફિડર અને બર્ડ બાથ મૂકી દો ( ગાર્ડન ના હોય તો પણ ), જૂનું માટ્લું હોય તો તેમાં ડ્રીલ કરીને ઘરનો લીલો કચરો ભેગો કરો અને કમ્પોસ્ટ (કાળુ સોનું ) કેવી રીતે બને છે તે જુઓ. શાકભાજી વાવો ( નાનકડી બાલ્કનીમાં પણ પાલક, ટામેટાં કે પોઇ જેવી ભાજી ઉગાડી શકાય ). પતંગિયાને એટ્રેક્ટ કરે તેવાં પ્લાન્ટસ વાવો. પક્ષીઓ, ફૂલ અને ઇન્સેક્ટની ફોટૉગ્રાફી કરો.

માની લો તમારાં બાળકને ગણિતમાં ખૂબ રસ છે તો અલગ પ્રકારે ગણિત શીખો અને શીખવાડો...તમે પણ એટલાં માટે કે રસ પડે તેવી રીતે મેથ્સ તો કદાચ તમે પણ નથી શીખ્યાં.http://nrich.maths.org આ સાઇટ પર અનેક પઝલ્સ છે, સ્ટોરિઝ છે. આવી ઘણી સરસ બુક્સ પણ મળે છે...જેમકે પેરલમેન બુક્સ. મહેરબાની કરીને સ્કૂલી વે માં આને ના લેતાં નહીં તો ધબાય નમઃ

સ્ટોપ મોશન એનિમેશન....રમક્ડાં અને કેમેરો વાપરો અને જાતે બનાવતાં શીખો! નેટ પર અનેક વિડીયોઝ હાજર જ છે.

વાર્તા વાંચીને અટકી ના જતાં પપેટ બનાવીને કે નાટક કરીને ભજવી પણ શકાય. http://sejal-vidyarth.blogspot.in/…/making-puppets-is-there…

http://www.rigb.org/christmas-lectures મેથ્સ, સાયન્સમાં રસ હોય તેવા બાળકોને મઝા કરાવી જાય તેવા ખૂબ સુંદર વિડીઓઝ. વિડીઓઝ,મૂવીઝ વગેરે જોતી વખતે બાળકને કોઇ સવાલ થયો તો પોઝ કરીને જવાબ આપો અને વાત ડિસ્કશન પર પહોંચે તો તો મોસ્ટ વેલકમ.

તમે જોશો કે માત્ર લખવા-વાંચવા સિવાય પણ શીખવાનાં અનેક તરીકા હોય શકે છે....જરુર છે થોડાં બાળક જેવા બનવાની, તેના નજરિયાથી જોવાની અને લાઇફને થોડી સ્લો કરવાની. પછી તમને નવાઇ લાગે ત્યાંથી શીખવાનું મળી શકે છે અને તે બોરિંગ રીતે નહીં પણ બોન્ડીગ મોમેન્ટસ સાથે.

 અને હા, ઘર મેસ અપ થાય તો તેની ચિંતા કરવી નહીં...ધેટસ સા ઇન ઓફ એક્ટીવ એન્ડ લાઇવલી હોમ.

Friday, October 26, 2012

સમય જ નથી મળતો!

મેડીકલ ફિલ્ડમાં સારી કેરિયર ધરાવતાં માતા-પિતા એક વખત મળવા આવ્યાં, સાથે તેમની દસ વર્ષની દિકરી પણ હતી. સ્કૂલમાંથી ડિસ્ક્લેસિયા છે માટે કાઢી નાંખવામાં આવી હતી.

મેં પૂછ્યું "વાર્તાઓ ગમે છે?"
મમ્મી કહે , "ના, એને તો કશાંમાં ઇન્ટરંસ્ટ જ નથી - માત્ર ફરવાનું ગમે!"
"કેવી જગ્યાએ ફરવાનું ગમે?"
"જગ્યાનું એવું કાંઇ નહિં, બસ ખાવું-પીવું, ફરવું, નવાં કપડાં પહેરવા એવું બધું"
"તમારાં બંનેનાં શોખ કયાં?"
"મને મહેંદી મૂકવા અને ગઝલ સાંભળવાનો શોખ હતો પણ વર્ષોથી સમય જ નથી મળતો."

પપ્પા ને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતાં શીખવું હતું પણ સમય નો અભાવ નડતો હતો. મેં પૂછ્યું "તમને વાંચવાનો શોખ ખરો? તમે તમારી દિકરીને વાર્તા કહો છો?" પપ્પા છાપાં વાંચતાં હતાં અને બાળપૂર્તિમાં આવતી વાર્તાઓ ક્યારેક કહી સંભાળવતાં હતાં.

 પ્રોફેશનલ ને ત્યાં સમય, શક્તિ કે પૈસા ખર્ચવાની તેમની તૈયારી હતી પણ પોતે જાતે કાંઇપણ કરી શક્વા અસમર્થ હતાં! તમારાં બાળકને તમારાંથી વધુ સારી રીતે કોણ સમજી શકે? અને આટલી અજબ-ગજબની આ દુનિયામાં બાળક માટે એક નહિં અનેક શક્યતાઓ ભરી પડી છે જેમાં તેને રસ હોય શકે. આપણી વ્યસ્તતાનાં કારણે આપણે તેને પોષી શકીએ નહિં કે તેનાં વલણોને ઓળખી શકીએ નહિં તો સ્વાભાવિક છે કે બાળક પોતાનાં રસનાં વિષયો કેળવી શકે નહિં.






Wednesday, October 24, 2012

વાર્તા શા માટે?

લાઇબ્રેરીમાં 'સ્ટોરીટેલીંગ' ચાલી રહ્યું હતું. એક રાજા અને વાંદરાની ભાઇબંધીની વાર્તા થઇ રહી હતી અને અંતે રાજાનાં નાક પર બેઠેલી માખીને ઊડાડવા જતાં વાંદરાથી રાજાનું નાક કપાઇ જાય છે. અને વાર્તા કહેનારે વાર્તાનો ઉપદેશ સમજાવતાં કહ્યું "તો બાળકો આ વાર્તાનો મતલબ એ છે કે પ્રાણીઓને ક્યારેય મિત્ર બનાવવા જોઇએ નહિં"!!!!!!!!!

આ પછી એક સ્ટોરીટેલીંગ સેશન મેં લેવાનું નક્કી કર્યુ. લીલા મજુમદારની એક સત્યઘટના આધારિત વાર્તા 'દો માતાએં' ઘણી લાંબી હતી અને કદાચ વાર્તા કરતાં લય તૂટે તો મજા બગડવાની શક્યતા હતી છતાં એ જ કહેવી તેવું નક્કી કર્યુ. બાળકોને વાર્તા માં આવતી પરિસ્થિતી સમજાય તેના માટે ચિત્ર પણ દોર્યુ.







દો માતાએં માં એક માનવ માતા છે જે અંધારી રાતે પોતાનાં બાળકને બચાવવા જંગલમાં દોડી જાય છે અને બીજી હાથણી છે જે માનવ બચ્ચાંને વાઘનો શિકાર થતાં બચાવે છે જ્યારે તેનું પોતાનું બચ્ચું માણસોએ હાથીઓને પકડવાં માટે ખોદેલાં ખાડામાં પડી ગયું હોય છે અને માનવ માતા કઇ રીતે હાથીનાં બચ્ચાં ને બચાવે છે તેની અદભૂત કથા છે.

આ લાંબી વાર્તામાં બાળકો ખોવાઇ ગયાં ,અંત સુધી એકદમ શાંતિ! દરેકનાં દિલમાં જે સહેજ સહેજ ના સમજાય તેવી ઊર્મીઓ ઊભરી રહી હતી તે ચહેરા પર સાફ દેખાતું હતું. બાળકોને વાર્તા કહેવાનો મતલબ તેમને કાંઇક શીખવી દેવાનો નથી બલ્કે વાર્તામાંથી આનંદ મળે તે પ્રથમ અને કાંઇ કીધાં વગર ઘણું બધું અનુભવાય જાય તે હોવો જોઇએ.



વેકેશન!




વેકેશન!

આખાં વરસને અંતે જેની કાગડોળે બાળકો રાહ જોતાં હોય તે સૌથી વધુ પસંદ એવો સમય.

આજકાલ વેકેશનને કારણે જાહેર બગીચાઓમાં આવાં ર્દ્શ્યો નજરે પડતાં હોય છે. આખાં ને આખાં બગીચા લોકોથી છલોછલ દેખાય છે, જાણે મેળો ના હોય! લોનમાં કૂંડાળામાં પરિવાર કે મિત્રો સાથે મોટેરાંઓ અને રમવાની જગ્યાએ બાળકો કિલ્લોલ કરતાં દેખાય. ચાલો વરસમાં એવો સમયગાળો તો છે જ્યારે કોઇપણ જાતનાં ટેન્શન વગર બાળકો રમી શકે છે...હમણાં સ્કૂલો શરૂ થશે અને ફરી પાછા એ જ બીબાંઢાળ જીવન! પછી? અઠવાડિયે કાં તો મહિને કાં તો વર્ષે આવીશું બગીચામાં.....સમય જ નથી મળતો!

ઊછરી રહેલાં બાળકો માટે દોડવું, કૂદવું, ઉછળવું, લટકવું, ઘોંઘાટ કરવો એ બધું પણ તો તેમનાં વિકાસનો જ એક ભાગ છે. શરીરની સાથે સાથે બગીચામાં જ મળી શકે તેવી મોકળાશ, ખુલ્લાપણું અને સ્વંતત્રતા તેમનાં મનને પણ પોષણ આપે છે. ઘણી શાળાઓ માં  શોભાનાં ગાંઠિયા જેવા બગીચા હોય છે .

ઘણી વાર જોવા મળે છે બગીચામાં રમવાનું રેશનીંગ. હા, સમય બહુ કિંમતી થઇ ગયો છે મમ્મી બીઝી છે, પપ્પા પણ અને દાદા-દાદી પણ...ક્યાંક સમય નથી તો ક્યાંક સમજ નથી અને બાળપણનો અમૂલ્ય સમય રમવાનાં રેશનીંગમાં ખતમ થઇ જાય છે. મમ્મી-પપ્પા ફોન પર મિત્રો સાથે વાતો કરવામાં કે પાર્લર-હોટલ-મોલની મુલાકાતોમાં સમય આપી શકે પણ બગીચો!

નવાં જમાનાનો ટ્રેન્ડ વળી સાવ અલગ છે. પૈસા ખર્ચીને બંજી જમ્પીંગ કરાવશે, એમ્યુઝમેન્ટ પાર્કમાં લઇ જશે પણ બગીચામાં જવું!...કદાચ ચીપ લાગે છે.


બીજા એક વળી વધારે પડતાં કેરીંગ પેરેન્ટસ હોય છે બાળક જરા ઝડપથી હિંચકો ખાશે તો કહેશે "બેટા, પવન લાગી જશે"!

નાનાં બાળકો હોય એ ઘરમાં ઓછામાં ઓછો હિંચકો ફરજિયાત છે. એકાદ હિંચકો (જૂના ટાયરને જાડા દોરડાંથી બાંધીને પણ બનાવી શકાય), એકાદ મન્કી લેડર (લાકડી અને જાડું દોરડું વાપરીને ઘરે બનાવી શકાય), પોસાય તો ટ્ર્મ્પોલીન , ઘરમાં જ રાખી શકાય અને હા, ઘરમાં ઉછળકૂદ કરતાં, ગોડદાં પર કૂદતાં કે દાદર પરથી લપસતાં બચ્ચાંને રોકવા પણ નહિં.



Tuesday, May 22, 2012

બાળક અને મેનર્સ?!

બાળ હિંસા નિવારણ માટે મળેલી મિટિંગ હતી. જુદાં જુદાં ક્ષેત્રનાં અનેક લોકો હતાં. મારી સાથે મેઘ હતો. એને રસ પડે તેવું ખાસ કાંઇ હતું નહિં. થોડીવાર પછી જોયું તો  ભાઇ મોંમાં આંગળાં નાંખીને જીભ સાથે રમી રહ્યા છે. થોડીવાર પછી પણ એમ જ,  પ્લાસ્ટિકની ખુરશીમાં આળોટીને આ જીભ સાથેની રમતમાં મશગૂલ અને સાથે સાથે જાણે પોતાની સાથે જ થતી વાતો.. હું વચ્ચે વચ્ચે તેને જોઇ લેતી. એ વચ્ચે વચ્ચે જો કોઇની બોલવાની ઢબ આકર્ષક હોય તો તેને સાંભળતો અને ફરી પાછી એ જ મનગમતી પ્રવૃતિ!!!

તમે કહેશો આવી કેવી મમ્મી અને આવો  કેવો ગંદો છોકરો! આટલાં બધા લોકોની વચ્ચે મોંમાં આંગળાં નાંખીને રમવાની રમત! માનું છું તે બહુ જ મુશ્કેલ પળ  હોય છે, મને પણ ક્યારેક બહુ વિચિત્ર લાગતું પણ અનુભવે કાંઇક શીખવ્યું છે.

ઓશો કહે છે તેમ પ્રથમ સાત વર્ષ માટે બાળક પોતાનાં વિશ્વનો રાજા હોય છે. આજુબાજુ કોણ છે તેથી તેને શું? તમે તેનાં માટે કે તેનાં પેરેન્ટસ માટે શું ધારો છો તેનાંથી પણ તેને કાંઇ લેવાદેવા નથી હોતી. તેની દુનિયા આગવી અનોખી હોય છે.  નથી તેને હાઇજીનિકલ જ્ઞાન હોતું કે નથી તેની ચિંતા હોતી. તમે ધાર્યુ પણ ના હોય તેવું કાંઇક તેનાં મનોજગતમાં ચાલી રહ્યું હોય તેવું બની શકે!

અહિં એવું જ બન્યું. ચોમાસાનાં દિવસો હતાં અને ઘરે આસપાસ ઘણી બધી ગોકળગાય દેખાતી અને તેની સાથે રમતો પણ. થોડીવારે જ્યારે તેની તરફ ફરીને સ્માઇલ આપ્યું, તો કહે "મમ્મી જીભ એકદમ ગોકળગાય જેવી જ લાગે ને!" હ્ંમ્મ્મ....તો હવે સમજાયું અહિં AC હોલમાં પણ ભાઇ તો એમનાં બગીચામાં પહોંચીને ગોકળગાય સાથે રમી રહ્યાં હતાં!!!!!

જે ગંદુ છે કે અભદ્ર છે તે તમારાં માટે છે, સમાજ માટે છે...બાળક પણ ક્યારેક તેની જાતે જ આ સમજવાનું પણ છે પણ અત્યારે આ સમયે તે પોતાની અલગ દુનિયામાં રહીને આ દુનિયાને સમજવાની કોશિષ કરી રહ્યુ છે ત્યારે તેના પોતાના લયને મેનર્સનાં નામે ડિસ્ટર્બ ના કરીએ તો? તો તમને બાળકોની અદભૂત દુનિયામાં ઝાકવાની તક મળી શકે છે અને એ પોતાનાં જ્ઞાન, કલ્પનાશકિત, વિચારશકિત, સર્જનશકિત ને પોતાના અંદાજમાં ખાતર-પાણી આપી શકે છે!

Thursday, May 10, 2012

દિલથી નજ્દીક

કોઇ બાબત દિલથી નજ્દીક હોવી એટ્લે શું?

નેશનલ બુક ટ્રસ્ટની એક સરસ બુક છે 'How Munia found Gold' લેખક છે જગદીશ જોશી. એક નાનાં પક્ષીને કયું સોનું અને કેવી રીતે મળે છે એ સરસ રીતે રજૂ થાય છે. સરસ વાર્તા છે બાળકને લગભગ ગમી જ જાય એવી પણ જ્યારે મેં આ વાર્તા મેઘને સંભળાવી ત્યારે મેં જોયું 'ચેરી' અને 'ચેરીનું ઝાડ' આ બે શબ્દો પર એની આંખમાં એક અલગ ચમક દેખાતી અને આ વાર્તા એને ખૂબ ખૂબ ગમી. પછી અનેક વખત સાંભળી છે અને મને લાગે છે ચેરી અને ચેરીનાં ઝાડની સાથે સાથે મુનિયા, તેની મહેનત અને તેનાં મિત્રો બધું જ કાંઇક જાણે કોતરાઇ ગયું જહનમાં.

કેમ ચેરી અને ચેરીનું ઝાડ? બગીચામાં પપ્પાની સાથે પોતે જ પક્ષીઓ માટે રોપેલું એ ઝાડ અને તેમાં થતી નાની નાની સુંદર ચેરી તેને ખૂબ ગમે. બસ આટ્લી વાત અને એક વાર્તા દ્રારા બીજી અનેક વસ્તુ-બાબતો સાથે તે જોડાય ગયો!

નાનાં બાળકને જેમાં મમ્મીની,ઘરની કે તેને ગમતાં કોઇ પાત્રની વાર્તાઓ ખૂબ ગમતી હોય છે અને તમે જાતે બાળકને જ કેન્દ્રમાં રાખીને વાર્તાઓ ગૂંથી સંભળાવશો તો તે ખૂબ જ ગમશે. સમજણ આવ્યાં પછી જેનાથી સૌથી વધુ પરિચિત હોય તો તે મમ્મી,ઘર,વાર્તા કે ટીવી પરનાં પાત્રો...આમ જે પરિચિત હોય તે બધું જ પ્રિય અને દિલથી નજીક.

જેમ મા તેવું જ માતૃભાષા માટે પણ ના હોય? એ ભાષા જે તે નાનપણથી સાંભળે છે,સમજે છે,દિલથી વધુ નજીક છે....બહારનાં વિશાળ વિશ્વ સાથે તેને સાંકળી શક્વા વધારે સક્ષમ છે.

Tuesday, May 8, 2012

શિક્ષણનું માધ્યમ

સાચી વાત છે પરિવર્તન સંસારનો નિયમ છે.પણ અમુક પાયાની બાબતો નથી બદલાતી હોતી - શીખવાની પ્રક્રિયા એવી જ બાબત છે. પ્રક્રિયા હંમેશાથી એ જ રહે છે, હા,એને જાણવા સમજવાની જેમ જેમ કોશિષ થતી રહે છે તેને વધારે સરળ કેવી રીતે બનાવી શકાય તેના પ્રયત્નો શિક્ષણશાસ્ત્રીઓ કરતાં રહે છે.જેમ કે મેડમ મોન્ટેસરી એ શોધેલાં કાચ પેપર અક્ષરો, ફ્લેશ કાર્ડસ, કે પછી આજનાં અનેક સોફ્ટવેર્સ.

ગુજરાતી ખતમ થઇ જશે એવી કોઇ બીક કે બીજા કાંઇથી નહિં પણ કોઇપણ એક બાળક,તેની કુદરતી રીતે શીખવાની પ્રક્રિયા, શીખવાનો સ્વાભાવિક આન્ંદ, ખોટી માન્યતાઓ, ખોટાં ભારણો, ખાસ કરીને આજનાં ( ગઇકાલનાં નહિં )સંદર્ભમાં ભાષા માટે આપણાં ધોરણો શું હોઇ શકે?

ભાષા શીખવાની શરૂઆત જન્મથી જ થાય છે કારણ જન્મની સાથે જુદાં જુદાં અવાજોની સાથે શબ્દો સંભાળવાની શરૂઆત થઇ જતી હોય છે. જે સંભળાય છે તે જ એકાદ વર્ષ પછી બોલાવા માંડે છે. એકદમ સહજ રીતે થતી શીખવાની પ્રક્રિયા.જરા વિચારો જે બાળક માટે આ દુનિયા કે તેની ભાષા સાવ અજાણી હોવા છતાં બે-ત્રણ વર્ષનું થતાં થતાં તો તમારે ચૂપ કરાવું પડે તેટલું બોલતું થઇ જાય છે!  બીજી બાજુ સાવ જ અજાણ્યા દેશ કે રાજ્યમાં વસવાટ પછી ઘણાં લોકો ગમે તે ઉંમરે પ્રાદેશિક ભાષા ત્યાંની જ સાહજીક લઢણ પ્રમાણે બોલતાં શીખી જતાં હોય છે. 
રાઝ ક્યા હે? પહેલું, પહેલાં ૬ વર્ષ શીખવાની પ્રક્રિયા અંત્યંત સક્રિય હોય. મગજમાં ન્યુરોનનાં ક્નેકશન બનતાં જતાં હોય છે એક બાબત બીજી સાથે સંકળાયને બાળકનાં જ્ઞાન અને સમજને ખૂબ ઝડપથી વિકસાવી રહ્યા હોય છે.જે આવે તે ઝડપથી શોષાય જતું હોય છે. મેડમ મોન્ટેસરીએ આ જ સમયને ઇંન્દ્રિયોનાં વિકાસ માટે શ્રેષ્ઠ માન્યો જેને તેઓ સમગ્ર શિક્ષણ/કેળવણીનો પાયો સમજતાં હતાં. આ સમય ઘણો મહત્વનો છે, બાળક ઘણું શીખવા માટે શક્તિમાન હોય છે.  બીજા પ્રકારનાં જે મોટી ઉંમરે ભાષા શીખે છે તે જીવનમાં જેમ આપણે બીજી જરૂરી બાબતો શીખતા જઇએ છે તેવી જ રીતે માત્ર જરૂરિયાતનાં પાયા પર થોડી મથામણ પડવા છતાં એકદંરે સહેલાઇ થી શીખાતી હોય છે કારણ તે રીયલ લાઇફ એક્સ્પિરીયન્સ હોય છે. કોઇપણ ભાષા શીખવી એટલે તે ભાષા સાંભળવી,સમજવી અને બોલવી,વાંચવું અને લખવું એ તો પાછળથી આવતાં કૌશલ્યો છે. અને તે એકંદરે સરળ જ હોય છે.
બાળકને માત્ર એક ભાષા તરીકે અંગ્રેજી શીખવાડો તો તે અતિ ઉત્તમ અને અતિ સરળ ખાસ કરીને આ ઉંમરમાં - અંગ્રેજીમાં વાર્તા કહો, ગીતો ગાઓ, થોડી વાતચીત, થોડી રમતો પણ યોજી શકાય અને ટીવી પર કે ફિલ્મો દ્રારા પણ અંગ્રેજી શીખી શકાય. ઘણી વેબસાઇટસ છે જે એકદમ રમતાં રમતાં અંગ્રેજી સાથે દોસ્તી કરાવી આપે છે.આજનાં જમાનામાં કોઇ અંગ્રેજી ને કારણે પાછળ રહી જશું એવું વિચારતું હોય તો જરૂર માનવું કે તેમણે સમય નામનાં ફેક્ટરને ધ્યાનમાં લીધું જ નથી! હા, એક સમય હતો જ્યારે ના કોઇ અંગ્રેજી બોલતું સાંભળવા મળતું કે ના જોવા (બ્ંને જરૂરી છે), આ વાતાવરણમાં તો તમે તમારી માતૃભાષા પણ ના શીખી શકો, સાચું? 
પણ અંગ્રેજી માધ્યમ? તમારે માત્ર સારું અંગ્રેજી બોલવું છે ને તો તે માત્ર મહાવરાંથી અને સાચી મેથડથી આવે છે નહિં કે અંગ્રેજી માધ્યમમાં એડ્મિશન લઇ લેવા માત્રથી. તમે કહેશો મહાવરો તો અંગ્રેજી માધ્યમની શાળામાં જ મળે- હા,મળે અને ના પણ મળે! પણ માત્ર એક ભાષાનાં કૌશલ્યની (જે તમે અમથુંય આજનાં સમયમાં સરળ છે ) સામે તમે શું ગુમાવો છો તેની વાત કરવી છે. એક ખૂબ પાતળી ભેદરેખા છે.  જે સમજવી થોડી અઘરી છે. મોટું ને ઉપરછલ્લું સહેલાઇથી સમજી શકાતું હોય છે પણ બારિકીઓ સમજવી થોડી અઘરી હોય છે અને એટલે જ આ ગૂંચવણ ઊભી થાય છે.
 આપણે ગાડરિયા પ્રવાહની જેમ જઇએ છે પાછળ ફરીને ક્યારેય તેનું પરિણામ નથી જોતાં. આપણે ત્યાં જુદાં જુદાં માધ્યમની અસરો પર સર્વેક્ષણો નથી થતાં.છતાં એ પાતળી ભેદરેખા સમજાવવા માટે એક  રિર્સચપેપર માંથી આ ટાંકુ છું
 (L1   ગુજરાતી માધ્યમ, L2   અંગ્રેજી માધ્યમ)
The U.S. National Council of Teachers of Mathematics states that, Command of mathematical language plays an important role in the development of mathematical ability. The importance of language in mathematics instruction is often overlooked in the mistaken belief that mathematics is somehow independent of language proficiency. However, particularly with the increased emphasis placed on problem solving, command of mathematical language plays an important role in the development of mathematical ability. Mathematics vocabulary,special syntactic structures, inferring mathematical meaning and discourse patterns typical of written text all contribute to the difficulties many L2 students have when learning mathematics in English.
Some people think of science as a subject in which learners are required to memorise and apply various formulae,label diagrams,weigh out chemicals and operate microscopes. The conceptual nature of science and the high level cognitive processes required to understand and communicate these concepts. Scientific literacy means that a person can ask, find or determine answers to questions derived from curiosity about everyday experiences. It means that a person has the ability to describe, explain and predict natural phenomena. The acquisition of certain linguistic structures of argumentation is thought to be a prerequisite for the kind of advanced reasoning used in scientific communication. If L2 students do not have access to these lingustic skills,they will not be able to engage in the level of discussion essential to scientific enquiry, and will have difficulty in science reasoning. Certain lingustic structures, such as logical connectors and specialised vocabulary (both science terminology and vocabulary that may have different meanings in a scientific context) are problamatic for L2 students. Moreover, discourse patterns common to science such as compare/contrast, cause/effect and problem/solution require a high level of linguistic functioning. Thus,cognitive development in science is heavily development in science is heavily dependent upon linguistic development. 
ગણિત અને વિજ્ઞાન સમજવા મોટાભાગનાં બાળકો માટે આમેય સહેજ અઘરાં હોય છે તેમાંય આજુબાજુનાં વાતાવરણમાં જે ભાષા બોલાય રહી છે તેના કરતાં જુદી ભાષામાં દરેક વસ્તુ, બાબત નો અર્થ સમજવાની મથામણ તમે ધારો છો તેનાં કરતાં ઘણી વધારે હોય છે અને પોતાનાં મિત્રો સાથે, શાળામાં કે ઘર માં અંગ્રેજીમાં વાતચીત કરવી અને ખરેખર વિષયોનાં અભ્યાસમાં ભાષાનો ઉપયોગ કરવો બીજી વાત છે.
ભૂતકાળને ભૂલી જાવ એક સમય હતો ચાર ચોપડી ભણેલાંઓનું અંગ્રેજી પણ સારું હતું, છેક આઠમામાં આવીને અંગ્રેજીની ઓળખ થઇ હોય અને આજે ડોકટર તરીકે નેશનલ- ઇન્ટરનેશનલ સેમિનારોમાં છવાતાં હોય કે પાંચમાં થી અંગ્રેજી ભણવાનું શરૂ કર્યુ હોય ને અંગ્રેજીનું વાતાવરણ ના મળવાથી લઘુતાગ્રંથિ અનુભવી હોય (આવા પેરેન્ટ્સનું પ્રમાણ સમાજમાં અત્યારે વધુ છે).....પણ આજની પેઢીને મળતાં એક્સપોઝરને તમે ક્યારેય નજરઅંદાજ ના કરી શકો. તે બોલતાં શીખે છે ત્યારથી માતા-પિતા કાંઇ ન કરે તો પણ ઘણાં અંગ્રેજી શબ્દો તેની વોકેબલરીમાં આવી જ જતાં હોય છે, તેની જીભ વળી જાય છે અને પૂરતું ધ્યાન આપીને થોડું અંગ્રેજી સાંભળવા મળે (ટીવી તો છે જ), જોવા મળે તેટલું કરી શકો તો બસ.  બાકી તો બધાં પોતપોતાની શીખવાની ધગશ અને જરૂરિયાત પ્રમાણે ફોડી જ લેવાનાં હોય છે.
અંગ્રેજી માધ્યમમાં ભણીને ઉત્તમ ગુજરાતી વાળી વાતતો તમે ભૂલી જ જજો. એક જ ઘર કે પાડોશમાં રહેતાં બે બાળકોનાં માધ્યમ અલગ હોય તો વર્તનમાં શું ફરક પડતો હોય છે તે તો તમે જોયું જ હશે. પરદેશમાં રહીને પોતાનાં વતનની માટીની મહેંક જાળવી રાખનારાં વિરલા હોય છે એવું જ કાંઇક અહીં હોય છે અને પછી બધું જ 'આપણું' ઓલ્ડ ફેશન લાગવા માંડે છે. ઉપર જણાવેલાં રિર્સચમાં માધ્યમની એકેડેમિકલ અસરોની સાથે સામાજિક અસરોનો પણ સર્વે થયો છે. અને એ બધાં જ અંગ્રેજી માધ્યમની વિરોધમાં છે!
Communicative Language Proficiency  કરતાં Cognitive  Language Proficiency અનેક ઘણી મહત્વની છે. એક તમને પ્રભાવશાળી રીતે વાતચીત કરતાં શીખવાડી શકે ને બીજી તમને વસ્તુનાં હાર્દને સમજવાની શક્તિ આપે છે. બંને જરૂરી છે પણ વધારે  કોણ?
વેપારીવૃતિ અને ઘેટાંવૃતિ માંથી બહાર આવી આપણને ગુજરાતીઓને માટે કાંઇક અજાણી જ રહેલી વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવાની જરૂર ખરી અને સાથે સાથે બાળક ન ભૂલાય. 
બસ આ જ ફરક છે કે સાઉથઇન્ડિયનો અંગ્રેજીનો પાલવ પકડવા છતાં કેમ પાછળ નથી...વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને સત્યને સમજવાની મથામણ. મારી એક મિત્ર તામિલ છે, અમારી માફક હોમસ્કૂલર છે, પતિ ઉતરનાં છે, મુંબઇમાં રહેતાં હોઇ બાળકો મરાઠી, હિન્દી, અંગ્રેજી,તામિલ અને પહાડી ભાષા સારી રીતે સમજે છે,બોલે છે. પણ દાદીમા પહાડી ભાષામાં રોજ વાર્તાઓ કહેતાં હોય એને ભણવા માટે અંગ્રેજીથી શરૂઆત કરી તેનો અફસોસ છે, લાગે છે બાળક ક્યાંક ગૂંચવાઇ રહ્યું છે.
અઢી વર્ષે પ્લેગ્રૃપ શરૂ થતાં ની સાથે ગોખાતી જતી અમુક રાઇમ્સ, હાથ તૈયાર ના હોય અને ABCD લખવાની શરૂઆત, યુનિફોર્મ/ઓટોરીક્ષા/શિસ્ત માં ગૂંગળાતું બાળપણ અને ઘર કરતાં જુદી ભાષા - આ છે આપણું અંગ્રેજી માધ્યમ. ગુજરાતી શાળાઓ પણ કાંઇ બહુ સારી નથી પણ છતાં ભાષાનું ભારણતો નથી - ખૂલી શક્વાની શક્યતા થોડી વધારે છે. માધ્યમ કરતાં  પણ મેથડ પર વધારે ધ્યાન અપાય તે જરૂરી છે  અને શરૂઆતનાં સક્રિય વિકાસનાં સમય ને માત્ર અંગ્રેજીનાં મોહમાં વેડફવાને બદલે તેનો મહત્તમ ઉપયોગ બાળકની cognitive skills ને ડેવલોપ કરવામાં વાપરીએ તો?