વેકેશન!
આખાં વરસને અંતે જેની કાગડોળે બાળકો રાહ જોતાં હોય તે સૌથી વધુ પસંદ એવો સમય.
આજકાલ વેકેશનને કારણે જાહેર બગીચાઓમાં આવાં ર્દ્શ્યો નજરે પડતાં હોય છે. આખાં ને આખાં બગીચા લોકોથી છલોછલ દેખાય છે, જાણે મેળો ના હોય! લોનમાં કૂંડાળામાં પરિવાર કે મિત્રો સાથે મોટેરાંઓ અને રમવાની જગ્યાએ બાળકો કિલ્લોલ કરતાં દેખાય. ચાલો વરસમાં એવો સમયગાળો તો છે જ્યારે કોઇપણ જાતનાં ટેન્શન વગર બાળકો રમી શકે છે...હમણાં સ્કૂલો શરૂ થશે અને ફરી પાછા એ જ બીબાંઢાળ જીવન! પછી? અઠવાડિયે કાં તો મહિને કાં તો વર્ષે આવીશું બગીચામાં.....સમય જ નથી મળતો!
ઊછરી રહેલાં બાળકો માટે દોડવું, કૂદવું, ઉછળવું, લટકવું, ઘોંઘાટ કરવો એ બધું પણ તો તેમનાં વિકાસનો જ એક ભાગ છે. શરીરની સાથે સાથે બગીચામાં જ મળી શકે તેવી મોકળાશ, ખુલ્લાપણું અને સ્વંતત્રતા તેમનાં મનને પણ પોષણ આપે છે. ઘણી શાળાઓ માં શોભાનાં ગાંઠિયા જેવા બગીચા હોય છે .
ઘણી વાર જોવા મળે છે બગીચામાં રમવાનું રેશનીંગ. હા, સમય બહુ કિંમતી થઇ ગયો છે મમ્મી બીઝી છે, પપ્પા પણ અને દાદા-દાદી પણ...ક્યાંક સમય નથી તો ક્યાંક સમજ નથી અને બાળપણનો અમૂલ્ય સમય રમવાનાં રેશનીંગમાં ખતમ થઇ જાય છે. મમ્મી-પપ્પા ફોન પર મિત્રો સાથે વાતો કરવામાં કે પાર્લર-હોટલ-મોલની મુલાકાતોમાં સમય આપી શકે પણ બગીચો!
નવાં જમાનાનો ટ્રેન્ડ વળી સાવ અલગ છે. પૈસા ખર્ચીને બંજી જમ્પીંગ કરાવશે, એમ્યુઝમેન્ટ પાર્કમાં લઇ જશે પણ બગીચામાં જવું!...કદાચ ચીપ લાગે છે.
બીજા એક વળી વધારે પડતાં કેરીંગ પેરેન્ટસ હોય છે બાળક જરા ઝડપથી હિંચકો ખાશે તો કહેશે "બેટા, પવન લાગી જશે"!
નાનાં બાળકો હોય એ ઘરમાં ઓછામાં ઓછો હિંચકો ફરજિયાત છે. એકાદ હિંચકો (જૂના ટાયરને જાડા દોરડાંથી બાંધીને પણ બનાવી શકાય), એકાદ મન્કી લેડર (લાકડી અને જાડું દોરડું વાપરીને ઘરે બનાવી શકાય), પોસાય તો ટ્ર્મ્પોલીન , ઘરમાં જ રાખી શકાય અને હા, ઘરમાં ઉછળકૂદ કરતાં, ગોડદાં પર કૂદતાં કે દાદર પરથી લપસતાં બચ્ચાંને રોકવા પણ નહિં.
No comments:
Post a Comment