Wednesday, October 24, 2012

વાર્તા શા માટે?

લાઇબ્રેરીમાં 'સ્ટોરીટેલીંગ' ચાલી રહ્યું હતું. એક રાજા અને વાંદરાની ભાઇબંધીની વાર્તા થઇ રહી હતી અને અંતે રાજાનાં નાક પર બેઠેલી માખીને ઊડાડવા જતાં વાંદરાથી રાજાનું નાક કપાઇ જાય છે. અને વાર્તા કહેનારે વાર્તાનો ઉપદેશ સમજાવતાં કહ્યું "તો બાળકો આ વાર્તાનો મતલબ એ છે કે પ્રાણીઓને ક્યારેય મિત્ર બનાવવા જોઇએ નહિં"!!!!!!!!!

આ પછી એક સ્ટોરીટેલીંગ સેશન મેં લેવાનું નક્કી કર્યુ. લીલા મજુમદારની એક સત્યઘટના આધારિત વાર્તા 'દો માતાએં' ઘણી લાંબી હતી અને કદાચ વાર્તા કરતાં લય તૂટે તો મજા બગડવાની શક્યતા હતી છતાં એ જ કહેવી તેવું નક્કી કર્યુ. બાળકોને વાર્તા માં આવતી પરિસ્થિતી સમજાય તેના માટે ચિત્ર પણ દોર્યુ.







દો માતાએં માં એક માનવ માતા છે જે અંધારી રાતે પોતાનાં બાળકને બચાવવા જંગલમાં દોડી જાય છે અને બીજી હાથણી છે જે માનવ બચ્ચાંને વાઘનો શિકાર થતાં બચાવે છે જ્યારે તેનું પોતાનું બચ્ચું માણસોએ હાથીઓને પકડવાં માટે ખોદેલાં ખાડામાં પડી ગયું હોય છે અને માનવ માતા કઇ રીતે હાથીનાં બચ્ચાં ને બચાવે છે તેની અદભૂત કથા છે.

આ લાંબી વાર્તામાં બાળકો ખોવાઇ ગયાં ,અંત સુધી એકદમ શાંતિ! દરેકનાં દિલમાં જે સહેજ સહેજ ના સમજાય તેવી ઊર્મીઓ ઊભરી રહી હતી તે ચહેરા પર સાફ દેખાતું હતું. બાળકોને વાર્તા કહેવાનો મતલબ તેમને કાંઇક શીખવી દેવાનો નથી બલ્કે વાર્તામાંથી આનંદ મળે તે પ્રથમ અને કાંઇ કીધાં વગર ઘણું બધું અનુભવાય જાય તે હોવો જોઇએ.



No comments:

Post a Comment