Saturday, May 5, 2012

વાંચનની શરૂઆત ક્યારથી થાય છે?

વાંચનની શરૂઆત ક્યારથી થાય છે? મારાં મતે જીવનની સાથે જ.

એક બાળક જેણે ગુલાબનું ફૂલ જોયું જ નથી તેના માટે 'ગુલાબ' શબ્દ નો અર્થ ૦ ગણીએ
જેણે ગુલાબ જોયું છે તેના માટે ૧
જેણે ગુલાબ જોયું છે અને સ્પર્શ કર્યો છે તેના માટે ૨
જેણે ગુલાબ જોયું છે,સ્પર્શ કર્યો છે અને સુંઘ્યું છે તેના માટે ૩
જેણે ગલાબ જોયું છે,સ્પર્શ કર્યો છે,સુંઘ્યું છે અને પાંદડી તોડીને ચાખી પણ છે તેના માટે ૪
તો કહો કોનો અનુભવ વધુ સમૃધ્ધ? જેનો વધુ તે શબ્દનાં અર્થથી વધુ નજીક,એના માટે એ શબ્દની સમજ એટલી જ વધારે.

એકલવ્યની એક સરસ વાર્તા છે 'ભાલુ ને ખેલી ફુટબોલ' અને વાર્તાની શરૂઆત તો વળી એથીય સરસ...ચીલાચાલુ 'એક ભાલુ થા...' થી અલગ.

સર્દિયો કા મૌસમ. સુબહ કા વક્ત. ચારોં ઔર કોહરા હી કોહરા..............
હવે જે બાળક શિયાળાની સવારે મમ્મી-પપ્પા કે દાદા-દાદીની આંગળી પકડીને લટાર મારવા ગયું હોય એને આ આખુંય દશ્ય આંખ સામે ખડું થઇ જશે અને એકદમ સહજતાથી આ ભાલુસાહેબ સમજાય જશે.

જીવનનાં નાનાં-મોટા અનુભવો એક સમજણનું ઘડતર કરતાં હોય છે અને શરૂઆતથી જ એ જેટલા પણ આપી શકાય તે ઓછા જ રહેશે.બચ્ચું માટી-કાદવ માં રમશે તો ગંદુ થશે કે વરસાદમાં પલળશે તો માંદુ પડશે એવી બધી ખોટી માન્યતાઓ ને ભૂલી જવી પડશે.એ બધાં અનુભવો છે તેનાંથી બાળકને દૂર રાખીને તેના જ્ઞાન-સમજનાં વિકાસ ( Perception Building ) ને પાંગળુ રાખશો?

ખાસ તો કૂતરા-બિલાડા કે બીજા કોઇ પણ પ્રાણી-પક્ષી-જીવજંતુ થી બાળકને દૂર રાખતાં અને એની બિનજરૂરી બીક બતાવતાં માતા-પિતાને ખબર નથી હોતી કે આ પોતાનાંથી અલગ દેખાતા જીવો વિશે તેમને સ્વાભાવિક કૂતુહલ હોય છે અને જ્યારે તેમની ગમતી વાર્તાઓમાં પ્રાણીપાત્રો આવે છે ત્યારે તેમની સાથે વધારે સારી રીતે જોડાય શકે છે.અને મલ્ટીપલ ઇન્ટેલીજન્સ વાળા હોવર્ડ ગાર્ડ્નર તો પ્રાણીઓ પ્રત્યેનાં લગાવને એક ઇન્ટેલીજન્સ ગણે છે.

તો આવી રીતે ભાષાશિક્ષણની અથવા તો વાંચનની શરૂઆત થતી હોય છે. અને અક્ષરજ્ઞાન માત્ર યાંત્રિક બની રહેવાને બદલે એક ઊંડાણ મેળવતું હોય છે.

એ પછી આવે છે પ્રિન્ટ મિડિયા સાથેની ભાઇબંધી - પિકચર રિડીંગથી એક રસપ્રદ શરૂઆત થઇ શકે. ચિત્ર વિશે વાતો કરતાં કરતાં તેને રોજબરોજનાં અનુભવો સાથે જોડતાં જતાં શરૂઆતથી પુસ્તકો સાથે દોસ્તી પાકી થશે જે નાનપણનાં બધાં જ અનુભવો ની જેમ જીવનપર્યત સાથે રહેશે.તે પછી મોટા ચિત્રો અને મોટા ફોન્ટ વાળી નાની પુસ્તિકાઓ તેમને પ્રિન્ટ થયેલા શબ્દો સાથે સાંકળી આપશે. રસ્તા પર જોયેલો ખટારો કે દુકાન જ્યારે બુકમાં દેખાશે ત્યારે તેને તે શબ્દ અને ચિત્ર સાથે જોડશે.

આ બધાંથી ઉપર છે - વાર્તાઓ. ખૂબ દુઃખ થાય છે જ્યારે પૈસે-ટકે સુખી ગણાતાં કે ભણેલાં ગણાતાં ઘરનાં બાળકો પણ જ્યારે કહે છે કે કોઇ તેમને રોજ વાર્તા નથી કહેતું. ઘણાં ઘરો માં વાર્તાની પ્રથા જ નથી! એક શાળામાં ૨૦૦-૩૦૦ મમ્મીઓને જ્યારે મેં પૂછ્યું કે તમારાં ઘરમાં સ્ટોરીટેલીંગ કે રીડ અલાઉડ નું રુટિન છે? માત્ર ૧૦-૨૦ હાથ ઊંચા થયા! મમ્મી-પપ્પા બિઝી છે ,દાદા-દાદી પણ આજકાલ બદલાય ગયા છે. મારાં એક મિત્ર નાટક અને બીજી ઘણી ભાષાકીય એક્ટીવીટીઝમાં ખૂબ સક્રિય છે પણ કહે છે 'મુઝે જબ મેરી બેટી કો સ્ટોરી સુનાની હોતી હે મુઝે ગિન કે દો-તીન આતી હે વો સુના દેતા હૂં'!!!





No comments:

Post a Comment