Friday, October 26, 2012

સમય જ નથી મળતો!

મેડીકલ ફિલ્ડમાં સારી કેરિયર ધરાવતાં માતા-પિતા એક વખત મળવા આવ્યાં, સાથે તેમની દસ વર્ષની દિકરી પણ હતી. સ્કૂલમાંથી ડિસ્ક્લેસિયા છે માટે કાઢી નાંખવામાં આવી હતી.

મેં પૂછ્યું "વાર્તાઓ ગમે છે?"
મમ્મી કહે , "ના, એને તો કશાંમાં ઇન્ટરંસ્ટ જ નથી - માત્ર ફરવાનું ગમે!"
"કેવી જગ્યાએ ફરવાનું ગમે?"
"જગ્યાનું એવું કાંઇ નહિં, બસ ખાવું-પીવું, ફરવું, નવાં કપડાં પહેરવા એવું બધું"
"તમારાં બંનેનાં શોખ કયાં?"
"મને મહેંદી મૂકવા અને ગઝલ સાંભળવાનો શોખ હતો પણ વર્ષોથી સમય જ નથી મળતો."

પપ્પા ને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતાં શીખવું હતું પણ સમય નો અભાવ નડતો હતો. મેં પૂછ્યું "તમને વાંચવાનો શોખ ખરો? તમે તમારી દિકરીને વાર્તા કહો છો?" પપ્પા છાપાં વાંચતાં હતાં અને બાળપૂર્તિમાં આવતી વાર્તાઓ ક્યારેક કહી સંભાળવતાં હતાં.

 પ્રોફેશનલ ને ત્યાં સમય, શક્તિ કે પૈસા ખર્ચવાની તેમની તૈયારી હતી પણ પોતે જાતે કાંઇપણ કરી શક્વા અસમર્થ હતાં! તમારાં બાળકને તમારાંથી વધુ સારી રીતે કોણ સમજી શકે? અને આટલી અજબ-ગજબની આ દુનિયામાં બાળક માટે એક નહિં અનેક શક્યતાઓ ભરી પડી છે જેમાં તેને રસ હોય શકે. આપણી વ્યસ્તતાનાં કારણે આપણે તેને પોષી શકીએ નહિં કે તેનાં વલણોને ઓળખી શકીએ નહિં તો સ્વાભાવિક છે કે બાળક પોતાનાં રસનાં વિષયો કેળવી શકે નહિં.






Wednesday, October 24, 2012

વાર્તા શા માટે?

લાઇબ્રેરીમાં 'સ્ટોરીટેલીંગ' ચાલી રહ્યું હતું. એક રાજા અને વાંદરાની ભાઇબંધીની વાર્તા થઇ રહી હતી અને અંતે રાજાનાં નાક પર બેઠેલી માખીને ઊડાડવા જતાં વાંદરાથી રાજાનું નાક કપાઇ જાય છે. અને વાર્તા કહેનારે વાર્તાનો ઉપદેશ સમજાવતાં કહ્યું "તો બાળકો આ વાર્તાનો મતલબ એ છે કે પ્રાણીઓને ક્યારેય મિત્ર બનાવવા જોઇએ નહિં"!!!!!!!!!

આ પછી એક સ્ટોરીટેલીંગ સેશન મેં લેવાનું નક્કી કર્યુ. લીલા મજુમદારની એક સત્યઘટના આધારિત વાર્તા 'દો માતાએં' ઘણી લાંબી હતી અને કદાચ વાર્તા કરતાં લય તૂટે તો મજા બગડવાની શક્યતા હતી છતાં એ જ કહેવી તેવું નક્કી કર્યુ. બાળકોને વાર્તા માં આવતી પરિસ્થિતી સમજાય તેના માટે ચિત્ર પણ દોર્યુ.







દો માતાએં માં એક માનવ માતા છે જે અંધારી રાતે પોતાનાં બાળકને બચાવવા જંગલમાં દોડી જાય છે અને બીજી હાથણી છે જે માનવ બચ્ચાંને વાઘનો શિકાર થતાં બચાવે છે જ્યારે તેનું પોતાનું બચ્ચું માણસોએ હાથીઓને પકડવાં માટે ખોદેલાં ખાડામાં પડી ગયું હોય છે અને માનવ માતા કઇ રીતે હાથીનાં બચ્ચાં ને બચાવે છે તેની અદભૂત કથા છે.

આ લાંબી વાર્તામાં બાળકો ખોવાઇ ગયાં ,અંત સુધી એકદમ શાંતિ! દરેકનાં દિલમાં જે સહેજ સહેજ ના સમજાય તેવી ઊર્મીઓ ઊભરી રહી હતી તે ચહેરા પર સાફ દેખાતું હતું. બાળકોને વાર્તા કહેવાનો મતલબ તેમને કાંઇક શીખવી દેવાનો નથી બલ્કે વાર્તામાંથી આનંદ મળે તે પ્રથમ અને કાંઇ કીધાં વગર ઘણું બધું અનુભવાય જાય તે હોવો જોઇએ.



વેકેશન!




વેકેશન!

આખાં વરસને અંતે જેની કાગડોળે બાળકો રાહ જોતાં હોય તે સૌથી વધુ પસંદ એવો સમય.

આજકાલ વેકેશનને કારણે જાહેર બગીચાઓમાં આવાં ર્દ્શ્યો નજરે પડતાં હોય છે. આખાં ને આખાં બગીચા લોકોથી છલોછલ દેખાય છે, જાણે મેળો ના હોય! લોનમાં કૂંડાળામાં પરિવાર કે મિત્રો સાથે મોટેરાંઓ અને રમવાની જગ્યાએ બાળકો કિલ્લોલ કરતાં દેખાય. ચાલો વરસમાં એવો સમયગાળો તો છે જ્યારે કોઇપણ જાતનાં ટેન્શન વગર બાળકો રમી શકે છે...હમણાં સ્કૂલો શરૂ થશે અને ફરી પાછા એ જ બીબાંઢાળ જીવન! પછી? અઠવાડિયે કાં તો મહિને કાં તો વર્ષે આવીશું બગીચામાં.....સમય જ નથી મળતો!

ઊછરી રહેલાં બાળકો માટે દોડવું, કૂદવું, ઉછળવું, લટકવું, ઘોંઘાટ કરવો એ બધું પણ તો તેમનાં વિકાસનો જ એક ભાગ છે. શરીરની સાથે સાથે બગીચામાં જ મળી શકે તેવી મોકળાશ, ખુલ્લાપણું અને સ્વંતત્રતા તેમનાં મનને પણ પોષણ આપે છે. ઘણી શાળાઓ માં  શોભાનાં ગાંઠિયા જેવા બગીચા હોય છે .

ઘણી વાર જોવા મળે છે બગીચામાં રમવાનું રેશનીંગ. હા, સમય બહુ કિંમતી થઇ ગયો છે મમ્મી બીઝી છે, પપ્પા પણ અને દાદા-દાદી પણ...ક્યાંક સમય નથી તો ક્યાંક સમજ નથી અને બાળપણનો અમૂલ્ય સમય રમવાનાં રેશનીંગમાં ખતમ થઇ જાય છે. મમ્મી-પપ્પા ફોન પર મિત્રો સાથે વાતો કરવામાં કે પાર્લર-હોટલ-મોલની મુલાકાતોમાં સમય આપી શકે પણ બગીચો!

નવાં જમાનાનો ટ્રેન્ડ વળી સાવ અલગ છે. પૈસા ખર્ચીને બંજી જમ્પીંગ કરાવશે, એમ્યુઝમેન્ટ પાર્કમાં લઇ જશે પણ બગીચામાં જવું!...કદાચ ચીપ લાગે છે.


બીજા એક વળી વધારે પડતાં કેરીંગ પેરેન્ટસ હોય છે બાળક જરા ઝડપથી હિંચકો ખાશે તો કહેશે "બેટા, પવન લાગી જશે"!

નાનાં બાળકો હોય એ ઘરમાં ઓછામાં ઓછો હિંચકો ફરજિયાત છે. એકાદ હિંચકો (જૂના ટાયરને જાડા દોરડાંથી બાંધીને પણ બનાવી શકાય), એકાદ મન્કી લેડર (લાકડી અને જાડું દોરડું વાપરીને ઘરે બનાવી શકાય), પોસાય તો ટ્ર્મ્પોલીન , ઘરમાં જ રાખી શકાય અને હા, ઘરમાં ઉછળકૂદ કરતાં, ગોડદાં પર કૂદતાં કે દાદર પરથી લપસતાં બચ્ચાંને રોકવા પણ નહિં.